જોવાલાયક ધાર્મિક સ્થળ : અંબાજી
ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઉંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્સ્ટ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે.[૨] અત્યારે તો મંદિરની ઉપરનો કળશ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. ખાસ વાત યાદ રાખવા જેવી એ છે, કે આટલી મોટી સંખ્યામા અહી યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહી હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાધ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ધીના બે અખંડ દીવા બળે છે.
માતાજીના દર્શન સવારે અંદરનું બારણુ ઉઘડતાં થાય છે. સવારે અને સાંજે એમ બે વખત કરવામાં આવતી આરતીના સમયે પણ દર્શન થાય છે. વર્ષો પહેલા બ્રાહ્મણો અંદર જઈને માતાજીની પુંજા કરી શકતા હતાં. હાલના સમયમાં માત્ર પુજારીઓ જ અંદર જાય છે. બાકીના વખતે તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરાં મઢેલા બારણા છે, મંદિરના આગલા ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શીખર છે.
અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે.
Comments
Post a Comment